શિક્ષણ એટલે ‘બાળકને શિક્ષિત બનાવવો’ એવા પ્રચલિત અર્થ સાથે આપણે જીવીએ છે. પરંતુ વર્તમાન પરિપ્રેક્ષમાં વિચારીએ તો હવે તેઓને માત્ર શિક્ષિત બનાવવાના નથી પણ જાગૃત પણ કરવાના રહેશે. વિશ્વ આર્થિક સંગઠન (ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)નું સ્પષ્ટ પણે માનવું છે કે લોકોને જરૂર શું છે અને તેમણે શીખવું છે, એ બે વચ્ચેનું અંતર ઘટાડવું જોઇએ. આમ તો આ વિચાર આપણને જૂનવાણી લાગશે પરંતુ વર્તમાનમાં પણ એટલો જ પ્રસ્તુત છે.
આનો ઉકેલ શું?! બસ, પરિવર્તનનું સ્વાગત કરો!! ભવિષ્ય માટે શું અપેક્ષિત છે તેના વિશે વિચારવાનું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ ચાર બાબતો મહત્વની ભૂમિકા ભજવે છે:
સામૂહિક જોડાણ કે જૂથ પ્રવૃત્તિઓ,
સર્જનાત્મકતા કે કલ્પનાશીલતા,
સંદેશા વ્યવહાર કુશળતા અને
બૌદ્ધિક (તાર્કિક) વિચાર ક્ષમતા.
જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી બેઠા હોય છે, ત્યારે ભણાવનારે(શિક્ષકે) આ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને પોતાનું શિક્ષણ કાર્ય (અધ્યાપન કાર્ય) કરવાનું હોય છે. જો આ ક્ષમતાઓના વિકાસ સાથે વર્ગખંડ શિક્ષણ બંધબેસતું નહીં હોય તો સમજવાનું કે વિદ્યાર્થીઓને સારું ભવિષ્ય આપવામાં શિક્ષકો અને શાળાઓ નિષ્ફળ નિવડી રહ્યા છે!
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના વિકાસ માટે શિક્ષક દ્વારા જે કંઈ સામગ્રી તૈયાર કરવામાં કે તૈયારી કરવામાં આવે ત્યારે તેમાં તેમણે આ બાબતો અચૂક ધ્યાનમાં રાખવી જોઈશે.
પ્રથમ, પોતાના શિક્ષક કરતા આજે વિદ્યાર્થીઓ સ્વયં આધુનિક યુગની તકનીકીથી વધુ વાકેફ અને અનુભવી છે. તેઓની આ ક્ષમતાનો ઉપયોગ કેમ કરવો તે વિશે શિક્ષકે મનનીય ચિંતન કરવું જ જોઈએ.
બીજી, શિક્ષક-વિદ્યાર્થીનો ખ્યાલ ઝડપથી વિસરાઈ રહ્યો છે. નવી ટેકનોલોજી અને સરળ એવા આધુનિક એપ્સ (એપ્લિકેશન)થી વિદ્યાર્થીઓ નચિંત બન્યા છે અને ઘરમાં બેઠાબેઠા પોતાની જાતને શીખતા શીખતા શાબાશી પણ આપી શકે છે!! તો પછી આમાં શિક્ષક ક્યાં છે?! છતાં ખ્યાલોને સમજાવતી વખતે, તેને વ્યવહારમાં મૂકવાનું શીખવતી વખતે અને શિક્ષણ પ્રક્રિયામાં ભાગીદાર બનાવતી વખતે શિક્ષકે માર્ગદર્શક અને પ્રેરકની ભૂમિકા ભજવવાની છે.
ત્રીજી, સૈદ્ધાંતિક સમજણ-માહિતીની સાથે શક્ય હોય તેટલી વ્યવહારૂ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ અને ઉત્કંઠાને વર્તમાન ઘટનાઓ સાથે જોડવામાં આવે. પાઠ્યપુસ્તકના ઉદાહરણો, નમૂના, ચિત્રો કે આકૃતિઓને બદલે વર્ગની ચાર દીવાલની બહારના મહત્તમ અનુભવો વિષે વિચારવું પડશે. વ્યક્તિએ મેળવેલા શિક્ષણની ખરી કસોટી તેના અભ્યાસકાળ દરમિયાન વર્ગખંડમાં થઈ હોય છે તેના કરતા અનેક ગણી વર્ગખંડની બહાર થતી હોય છે. વિદ્યાર્થી તરીકે નોટબુકમાં ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડ્યું હતું પરંતુ કોઈ વિદ્યાર્થી જો સારો (કુશળ) ખેડૂત, ઇજનેર કે ખગોળશાસ્ત્રી બનશે તો શું એટલું જ જ્ઞાન તેને પોતાના કામના સ્થળે ચાલશે?
ચોથી વાત. શિક્ષણ જગત સાથે સંકળાયેલા કે ન સંકળાયેલા, બધાને જ આજના સમયમાં ધીરજ નથી! સાવ નાની નાની કે ક્ષુલ્લક વાતનું વતેસર કરી નાખતા ઉદાહરણો આપણી આસપાસ રોજ જોવા કે સાંભળવા મળે છે, ખરું? વિદ્યાર્થીઓને આપણે સફળ જ નહીં પણ નિષ્ફળ થવાનું પણ શીખવું પડશે. કેમ કે કોઈપણ વ્યક્તિને માટે જિંદગીમાં સફળતા અને નિષ્ફળતા એ સિક્કાની બે બાજુ માફક સંકળાયેલી જ હોય છે. તેથી કોઈ કાર્ય કે અભ્યાસમાં નિષ્ફળતા મળે એ કોઇ મોટી આપદા કે અંત નથી તે વિદ્યાર્થીઓને શીખવું જ પડશે. એ જ કામો ફરીથી સારી રીતે કરીને નિષ્ફળતાને સફળતામાં તબદીલ કરવાની ધીરજ અને મહેનતની વૃત્તિ અને સમજણ તેમનામાં સૌ કોઈએ રોપવી જ પડશે.
પાંચમી, કોઈપણ સમસ્યાને કાપવા (કે છોડી દેવા) કરતા તેના યોગ્ય સમાધાન તરફ જવાનો અભિગમ શીખવાનો છે. રતન ટાટાનો વિચાર છે કે, જે શરૂઆતમાં અશક્ય લાગે તે પ્રશ્ન (કે સમસ્યા)ને સાવ છોડી દેવાની વૃત્તિ યોગ્ય નથી. પૂરતા તર્ક અને મંથન પછી જ આવો નિર્ણય યોગ્ય બની શકે છે. વર્ગખંડની ઘણી સમસ્યાઓને શિક્ષકો પણ ‘એમાં કંઈ ના થાય’ એમ કરીને છોડી દેતા હોય છે. જે આવું કરે છે તેઓ વિદ્યાર્થીઓને પણ ગર્ભિત રીતે પલાયનવાદ તરફ સરકાવી દે છે. નિર્ણય લેવાની ક્ષમતાની આવી અધૂરપ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં લાચાર કે હતાશ બનાવે એ વિશે બેમત નથી.
છઠ્ઠી, શિક્ષકો કે સંસ્થાઓએ હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેની રોજગાર ક્ષમતા નક્કી કરવાના સંદર્ભમાં કરવાનું છે નહીં કે માત્ર યાદશક્તિ સંદર્ભમાં. વર્તમાન સમયમાં દેશના યુવાનો જેનો સૌથી વધુ સામનો કરી રહ્યા છે તે રોજગારી પ્રાપ્ત કરવાના કૌશલ્ય કે આવડતના અભાવનો છે. ક્ષમતા વિના કયો ધંધાદારી કે વ્યવસાય રૂપિયા આપવા તૈયાર થશે?
સાતમી વાત આદરની છે. જી, બહુ જૂનો અને વારંવાર વપરાયેલો વિચાર છે કે, ‘દરેક
બાળક પ્રતિભાનો ખજાનો હોય છે.’ સાચું છે. પણ કેટલી શાળા (કે શિક્ષકો) વિદ્યાર્થીની અંદર રહેલી પ્રતિભા (ક્ષમતા)ને ઓળખવામાં સફળ થયા છે? વિદ્યાર્થીને સ્વયં પોતાના વિકાસની તક મળે તેવા પ્રેરક અને માળી બનવાની તૈયારી દરેક શિક્ષકોએ રાખવાની છે.
અંતમાં, કેન રોબિન્સનના આ વિચાર પર વિચાર કરી જુઓ: “શિક્ષણના ક્ષેત્રમાં પ્રમાણિત વસ્તુ (standardise product) પેદા કરવાના ઔદ્યોગિક ખ્યાલ પર કામ કરવાને બદલે આપણને ખેતીલક્ષી ખ્યાલની વધુ જરૂર છે. જેમ ખેડૂતને પોતાના પાક વિશે જાણકારી હોય છે તેમ શિક્ષક કે કેળવણીકાર તરીકે આપણા કયા વિદ્યાર્થીને કઈ માવજત કે વાતાવરણની જરૂર છે તેની જાણકારી હોવી જોઈએ. જો એક વખત આવા સંવર્ધન અને પોષણ આપવાનું સમજાઈ જાય તો પછી તેને (વિદ્યાર્થીને) વિશાળ અને ફળદાયી વૃક્ષ બનતા વાર નહિ લાગશે. આ સંપૂર્ણપણે પ્રાકૃતિક (organic) પ્રક્રિયા છે!”
Comments