ક્યારેક એવું લાગે છે કે દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ ભ્રષ્ટાચાર નહીં પણ નાગરિકોનો અસહકાર છે આવી વૃત્તિ શા માટે જન્મે છે એ એક સંશોધન અને મંથનનો વિષય છે. હા એ ખરું કે દેશને ચલાવનાર ટીમ (શાસકો) કે તેનો નેતા (રાજા) જ દેશના વિકાસ માટે અણગઢ નિર્ણયો કરે તો લોકો સહકાર ન આપે એમ બને. પણ હમણાં તો ભારતને એકંદરે દૂરંદેશી અને સક્ષમ નેતાગીરી મળી છે જેનો અનુભવ સરકારી યોજનાઓમાં વિશ્વાસ અને સ્વીકાર દ્વારા થઇ રહ્યો છે. રાષ્ટ્રના વિકાસ માટેના કેટલાક નિર્ણયોમાં દેશના બહુજન વિશ્વાસ એવું દર્શાવે છે કે આ સરકારને સહકાર આપવો જોઈએ.
આ બાબતે ઘણાખરાનો ખ્યાલ એવો છે કે ભણેલા કે સાધન સંપન્ન લોકો રાષ્ટ્ર વિકાસ માટે સહકાર આપવા હંમેશાં તત્પર હોય છે પરંતુ સામાન્ય કે ગરીબ લોકો ખાસ નહીં. પણ અહીં નીચે મારા ઘર નજીકનું એક જીવંત દ્રશ્ય મૂક્યું છે જેમાં સામાન્ય એવા તરોફાવાળાએ ડિજિટલ પેમેન્ટ એકાઉન્ટ ખોલાવ્યું અને ભ્રષ્ટાચાર અટકાવવાની સરકારી પહેલમાં પોતાના રોજિંદા ધંધાને પણ જોડી દીધો. આવા અનેક ઉદાહરણો મળશે જેમાં ડિજિટલ ઇન્ડિયાના સરકારી પ્રકલ્પમાં કે આયોજનમાં ચાવાળા, નાસ્તાવાળા, રેંકડીવાળા જેવા સાવ નાના અને સામાન્ય લોકો જોડાયા હોય.
પણ દુઃખદ વાત એ છે કે હજીયે કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનાઓ, દુકાનો જેવા ધંધાકીય એકમો રોકડમાં જ રોજીંદી લેવડ-દેવડ કરી રહ્યા છે, અને કાળાંબજાર સર્જી રહ્યા છે. આવું કરનારા ચોક્કસ જ દેશમાં ભ્રષ્ટાચારને પોષવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. શું આવા લોકોને શિક્ષિત અને સમજદાર, રાષ્ટ્રભક્ત કે સુખી-સંપન્ન નાગરિકો ગણવા જોઈએ?
મજબૂત રાષ્ટ્ર માત્ર નાગરિકોના હક કે અધિકારો માંગવાની સ્વતંત્રતાથી જ બનતું નથી પરંતુ સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓને કાયદા અને ન્યાયની રીતે પૂર્ણ કરવાથી જ બને છે. ડિજિટલ ઇન્ડિયાની જેમ સ્કીલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના, આયુષ્યમાન ભારત, આત્મનિર્ભર ભારત જેવી અનેક યોજનાઓ કે પરિવર્તનની ચળવળમાં નાગરિકોએ સહકાર આપવાની ફરજ બજાવવી જોઈએ. ટૂંકમાં કહું તો, દેશવિરોધી બોલવા કરતા, દેશ માટે જે કરવાનું છે તે કરો બસ !
Comments