વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની...સાંભળતા એ પિતાને ઘરમાં બેઠેલા તેના દીકરાએ પૂછ્યું કે, ‘પપ્પા સ્કૂલ ક્યારે ખુલશે?’ અચાનક આવી પડેલા સવાલથી પિતા અચંબિત થયા અને વિમાસણમાં પડી ગયા કે મારું બચપણ માગું છું કે મારા દીકરાનું? છેલ્લા લગભગ પાંચ મહિનાથી કેદમાં પૂરાઈ રહેલા પિતા પણ દીકરાના સવાલથી વ્યથિત થયા હતા. એટલા માટે નહીં કે તેના દીકરાનો અભ્યાસ બગડી ગયો છે પણ એટલા માટે કે તેના મિત્રો, શિક્ષકો, શાળાનું મકાન અને શાળાના મેદાનનું સાહચર્ય તે ગુમાવી રહ્યો હતો. પિતાનું મન વધુ વિચારે ચઢી ગયું હતું.
શરીરમાં કોઈ વસ્તુની ઉણપ અચાનક આવતી નથી. એ ધીમે ધીમે મહિનાઓ અને વર્ષો પછી દેખા દે છે. તે જ રીતે છૂટી છવાઈ રજાઓ કે એકાદ મહિનાના વેકેશનનો વાંધો નહોતો પણ સળંગ પાંચ મહિનાથી શૈશવ-કિશોરાવસ્થા અને તારુણ્ય પોતાના મૂળ વિકાસમાંથી કશુંક ગુમાવી રહ્યું હતું. મારા એકલાનો જ નહીં, અનેક માબાપોની આ વિમાસણ હશે. પ્રાકૃતિક જનજીવન બંધિયાર બન્યુ છે તેની વેદના ઘરોમાં પુરાયેલા આવા બાળકોના મનમાં સતત ઘૂમરાતી હશે. પણ એને ઠાલવે ક્યાં?
મનમાં ઉછાળતા એ તરંગો તો બારણાની લક્ષ્મણરેખા લાંઘી નથી શકતા એટલે નાનું ઘર હોય તો આગળ-પાછળની એકાદું લોબી કે પરસાળમાં અને શક્ય હોય તો અગાસીની થોડી ચોરસ ફુટ જગ્યામાં જઈને આકાશની ભૂરાશને ક્યાંક કોઈક ભરીને તાજગીનો અનુભવ કરતું હશે. પણ રમતના મેદાન પરની એ દોડાદોડી અને રીસેસમાં નાસ્તો કરતા કરતા એકબીજાની ‘પટ્ટી’ પાડવાનું બહુ ખોવાયેલુ ખોવાયેલુ લાગતું હશે. અનુભવાય તો એવું પણ છે કે શાળા છુટવાના બેલનો ટંકારવ તો તેમને ઊંઘમાં પણ સંભળાતો હશે!
હું જાણું છું કે આ લોકોને ઓનલાઇન ભણવામાં વાંધો નથી. એ તો હવે ફાવી ગયું છે. એમાં તો પહેલા કરતાં વધારે સ્વતંત્રતા છે! માત્ર શિક્ષકોના અવાજને આટલું ધ્યાનથી પહેલા ક્યારેય નહોતા સાંભળતા તે હવે તેઓને વ્હાલું લાગે છે. પહેલા તો ચાલુ ક્લાસમાં ઊંઘાતું નહીં, પણ અહીં તો એમ થઈ શકે છે! તોયે આજુબાજુના દોસ્તારો બહુ યાદ આવે છે. નાસ્તાના ડબ્બાની હેરફેર બંધ થઈ ગઈ છે તેનો વાંધો નથી, પણ કોઈનો સરસ મજાનો નાસ્તો હોય તો તેને ઝડપથી પૂરો કરી દેવાની મઝા વિલાઈ ગઈ તેનો વસવસો છે. એટલે જ વારંવાર એમના ગળા સુધી આવતું હશે કે શાળા ક્યારે ખુલશે?
ક્યારેક આ બાળકોને થતું જ હશે છે કે, આવ્યો આવ્યો ને કોરોના અમારા બાળપણ અને તારુણ્ય કાળમાં જ આવ્યો? જુનથી શાળા શરૂ થવાની હોય ત્યારનો તેઓનો થનગનાટ ભલે ઓસરી ગયો, લાઈનબંધ ગોઠવાઈ જવાનુંયે છૂટી ગયું. પણ પટાવાળો બેલ પકડે એટલે દૂરથી જ ગબડ્ડી મારવાની ચિંતા-મિશ્રિત પળો ગાયબ થઈ ગઈ છે. પ્રાર્થના બંધ થઈ ગઈ છે એ ખરું પણ એને લીધે સમય સચવાઈ જતો હતો એ બધું પાછું ક્યારે મળશે? રોજેરોજ કંઈ નવું સાંભળવાનું તો ઝૂંટવાઇ ગયુ પણ શાળાનું મકાન આ બાળકો વિના ઝૂરતું હશે તે જોવા તો કોઈક લઈ જાવ?!
દરેક તાસ પછી સંભળાતો ટકોરો આમ અચાનક સાથ છોડી દેશે એવી તો કલ્પના જ નહોતી. પણ દરેક તાસે શિક્ષકો બદલાતા એનો જે રોમાંચ હતો તેની ખોટ સાલે છે. ભલે તેઓ બધા જ હેન્ડસમ કે બ્યુટીફુલ નહોતા પણ તેમના કપડાની સ્ટાઇલ કે રંગો પણ એમના નસીબમાંથી જાણે ગાયબ થઇ ગયા છે. નોટ કમ્પ્લીટ રાખવાની કે ઘરકામ ચકાસણીમાંથી મુક્તિનો આનંદ થયો છે, પણ સ્ક્રીનનું હોમવર્ક જરાય આકર્ષક નથી લાગતું તે તેઓ કોને અને કેમ સમજાવે?
મમ્મીનો ‘આ તમારી ચા મૂકી છે’ નો સાદ પણ પિતાજી સાંભળી નહોતા શક્યા. એ પોતાના અને અન્યોના સંતાનોની મન:સ્થિતિ અને થંભી ગયેલા બાળપણની વ્યથામાં ગરક થઈ ગયા હતા. ફરી દીકરાએ પિતાને ઢંઢોળ્યા, ‘પપ્પા, આ તમારી ચાની ચૂસકી લેતા રહો!’ અવાજ સાંભળીને તેમણે ચાનો કપ હાથમાં લીધો. બસ હવે થોડા દિવસમાં ફરી સ્કૂલ શરૂ થઈ જશે એવા કામચલાઉ ઉત્તર આપવાનું હજી તેમને યોગ્ય લાગ્યું નહોતું. એ તો બસ બાળકોની કેદ થયેલી દુનિયાની ચિંતામાં ફરી ખોવાયા હતા.
નિવૃત્ત લોકો તો ટેવાઇ ગયા હોય છે ઘરમાં રહેવા માટે, ખરું? અને એમને ક્યાં ઉછળકૂદ કરવાનું ગમે? પણ આ તો કલાકેય જંપીને ના બેસે. અરે, શિક્ષક જરા પાછળ ફરે એટલે ઉભા થઈને આગળ પાછળ જઈ આવે! બ્લેકબોર્ડ પરથી નોટમાં ઉતારવાનું સદંતર છૂટી ગયું તેનો તેઓને વાંધો નથી, પણ બ્લેકબોર્ડ પર તોફાનીઓના નામ જોવાનો લ્હાવો લૂંટાઈ ગયો એનો અજંપો છે! શાળાના અનેક પગથિયાં ચડવાનું મટયું છે, પણ પગથિયે પગથિયે જોડાયેલો સ્પર્શ તેમને બહુ યાદ આવતો હશે.
ઘરના ટેબલ પર બેઠા બેઠા પણ ભણી શકાય છે એ ખરું. વચ્ચે વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ધ્યાન ભટકી જાય એ પણ સમજી શકાય તેવું છે. પણ વર્ગખંડ કે સભાખંડના બોરિંગ લેક્ચર વચ્ચે જ ‘ઝપ્પી’ મારી લેવાની તક ફરી ક્યારે મળશે? કોઈ દિવસ ઓનલાઈન તાસ બંધ રહે તો બહુ સારું લાગે છે પણ પ્રોક્સી તાસ છીનવાઈ ગયા તેનું બહુ લાગી આવ્યુ છે! ઘરમાં તો ગમે ત્યારે તેઓ ઊઠે તો વાંધો નથી આવતો. અરે ન્હાયા વિના જ કમ્પ્યૂટર કે મોબાઇલ સામે ભણે તોયે ક્યાં કોઈને ખબર પડે જ છે?! પણ યુનિફોર્મમાં કોઈ દિવસ અધૂરપ કે કચાશ રહી ગઈ હોય ત્યારે વાલીને બોલાવવાની તાકીદ કે ધમકી સાવ જ નેપથ્યમાં ધકેલાઈ ગઈ તેનો બહુ રંજ લાગતો હશે.
પિતા ઊંડા વિચારમાં હજી ગરક જ હતા. એ મનોમન વિચારતાં હતા કે ચેટિંગની દુનિયામાં આ બાળકો માહેર બન્યા છે. શબ્દોથી પોતાના પ્રેમ અને તડપને મનાવી રહ્યા હશે, પણ પોતાને ‘ગમતી’ કે ‘ગમતા’ને રૂબરૂ ન મળી શકવાનું દુઃખ કોને કહેશે? તારુણ્યમાં થતા એમના હૈયાની ઊર્મિ અને ઊર્જાને ઊર્ધ્વગામી બનાવનારું મેદાન કે સ્ટેજ જ તેમનાથી જોજનો દૂર ચાલી ગયું છે. એટલે જ હૈયે ડૂમો ભરાતાં ભરાતાં બોલાઈ જવાતું હશે કે, ‘પપ્પા, આ સ્કૂલ ક્યારે ખુલશે?’
કમ્પ્યુટરની દુનિયા અદભુત છે. આખે આખી લાયબ્રેરી, પ્રયોગશાળા, ચિત્રખંડ અને સંગીત-કલાનો એમાં ભંડાર સમાયેલો છે. એક ક્લિક કરો એટલે બધું હાજર! હા, ઠીક છે. પણ અહીં તો બેંચ પરના ચીતરડાનો વૈભવ જ ડૂબી ગયો છે. પ્રયોગોના વિડીયો હાથવગા છે, પણ શાળાની લેબોરેટરી કે કમ્પ્યુટર લેબમાં જવા માટે લાઇનમાં ઊભા રહેવાનું હજીયે ભુલાતું નથી. બેસૂરા વાજિંત્રો કે ગાયન વખતની મસ્તી તો બહુત યાદ આતી હોગી શાયદ! સ્ક્રીન પર દેખાતો નકશો ખૂબ આકર્ષક લાગે છે, પણ વર્ગની દિવાલ પર લટકતો ફાટેલો નકશો હૃદયમાંથી ભૂંસાતો જ નથી તેનું શું?
પિતાજી ચાનો અધુરો કપ હાથમાં પકડીને સુન્ન થઇ ગયા હતા. એટલામાં ફરી તેમના દીકરાનો અવાજ સંભળાયો હતો: પપ્પા, ફરી સંભળાવોને ‘વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની..’
コメント