વિકાસની પ્રક્રિયા આસાન નથી હોતી. દેશ પ્રગતિના પંથે જરૂર છે. શહેરથી દૂરના ગામડાઓમાં રસ્તા, વીજળી જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે પરંતુ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સ્થિતિ હજી સંતોષકારક નથી.
શહેરની શાળાના વિદ્યાર્થીઓ ગામડાની શાળાના વિદ્યાર્થીઓને કશુંક શીખવે, સાથે રમે અને સાથે પ્રવૃત્તિઓ કરે તેવા વિચાર સાથે મેં ‘સેતુ’ પ્રકલ્પને અમલમાં મૂક્યો છે. ચાર વર્ષથી ચાલતા આ પ્રકલ્પમાં અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ જોડાયા છે અને તેનાથી માત્ર ગામડાના વિદ્યાર્થીઓને જ પ્રોત્સાહન નથી મળ્યું પરંતુ ત્યાંના શિક્ષકોએ પણ આવી હેતુસભર મુલાકાત અને પ્રવૃત્તિઓને વધાવી છે.
તારીખ 30-8-2019ના રોજની આ મુલાકાત એક શહેર અને બે ગામડાની શાળા વચ્ચેનો સેતુ બની રહી હતી. સાંધીએર ગામની પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાનમેળો આયોજિત થયો હતો. શહેરના વિદ્યાર્થીઓને આ મેળો અજુગતો એ રીતે લાગ્યો હતો કે એમાં માત્ર છ જેટલી જ કૃતિઓ હતી! એકંદરે આ અનુભવ તેઓને માટે અનોખો હતો.
અછારણ ગામની શાળા સાથે શહેરની (મારી) શાળા નિયમિત રીતે જોડાયેલી રહે છે એટલે દર વર્ષની જેમ ગામડાના વિદ્યાર્થીઓ સાથે ભળી જવાનો અવસર યાદગાર બની રહ્યો. આ વખતે પણ અમે ત્રણ શિક્ષકો અને સોળ જેટલા વિદ્યાર્થીઓએ ગામડાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ‘સેતુ’ રચ્યો! અછારણની શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી અને સાથે ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરીને અમે સૌ કૃતકૃત્ય થયા હતા. આ દિવસની કેટલીક ક્ષણો આ રહી:
Comments