top of page

અનેક સમસ્યાઓનું મૂળ શિક્ષણની અધૂરપમાં છે!

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Sep 23, 2020
  • 2 min read

અરે યાર, શિક્ષણ જગતના પ્રશ્નો જ કેટલા હોય છે? અને તે પણ કાયમી થોડા હોય? એક મિત્ર પોતાના ધંધાના પ્રશ્નોના અતિરેકથી કંટાળીને મને કહી રહ્યા હતા. એમને પોતાના ધંધાની ચઢતી-પડતી મૂંઝવી રહી હતી. તેઓ એવું અનુભવતા હતા કે સમસ્યાઓ માત્ર ધંધામાં જ હોય અને ખાસ કરીને તેને પોતાને જ સૌથી વધુ સતાવી રહી હોય! મેં આશ્વાસન સાથે છૂટા પડતાં ધીમે રહીને કહ્યું’તું કે, જીવનના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓ રહેવાની જ છે. એનું નામ જ જીવન છે.

વીસમી સદીના ફિલસૂફ આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડે એકવાર કહ્યું હતું કે,Not ignorance, but the ignorance of ignorance is the death of knowledge.અભણ હોવું ચિંતાજનાક ખરું, પણ અભણ હોવા વિશેનું અજ્ઞાન શીખવાની પ્રકિયાનો જ અંત છે. ઓશોનો એક વિચાર છે કે સૂતેલાને જગાડી શકાય, જાગેલાને કેવી રીતે જગાડી શકાય? જે નિરક્ષર છે તેને ભણાવી શકાય, પણ જે પોતાને નિરક્ષર માને જ નહીં એને શીખવી ન શકાય!

આપણે નિરક્ષર, અર્ધ-નિરક્ષર અને કાર્યાત્મક નિરક્ષર શબ્દો સાંભળ્યા છે,કદાચ આપણને આ પ્રકારની નિરક્ષરતા સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે પણ ઓછી સમજ અને જાગૃતિ છે. જો તમે અભણ કે નિરક્ષર વ્યક્તિઓનું અવલોકન કર્યું હશે તો તમે તેમની હતાશા,અસ્વસ્થતા અને નિરાશાથી પરિચિત છો. આ વ્યક્તિઓ તેમની સમસ્યાથી પીડાય છે છતાં જાગૃત છે.

પણ એક અન્ય પ્રકારનો અભણ છે કે જે વધુ ખતરનાક અને વિનાશક હોઈ શકે છે. એ છે છુપાયેલો અભણ.છુપાયેલા નિરક્ષર લોકો તેમની પોતાની નિરક્ષરતાથી જ અજાણ છે. તેમની નિરક્ષરતા તેમનાથી છુપાયેલી છે! કારણ કે તે ક્યારેય ઓળખાઈ નથી.તે અન્ય લોકોથી પણ છુપાયેલી છે.છુપાયેલા અભણ લોકો પોતાની અજ્ઞાનતાને અવગણે છે.તેઓ જાણતા નથી કે તેઓ જાણતા નથી! તેઓ પ્રાપ્ત કરેલી, શીખેલી,અથવા લાગુ પડતી માહિતી અને વિચારોને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.

આવા લોકોની ક્રિયાઓ, લાગણીઓ અને માન્યતાઓ તેમના અજ્ઞાની (ખોટા) ઉપદેશો, વિચારો અને સમજણ પર આધારિત છે. આવા છુપાયેલા અભણ હોવાની સમસ્યાઓ અને પરિણામો રમૂજીથી માંડીને વિનાશક સુધીના હોઈ શકે છે. આવી સુષુપ્ત કે ગર્ભિત નિરક્ષરતા અધૂરા ઉત્પાદનો કે નબળી કામગીરીમાં પરિવર્તિત થતી જોવા મળે છે. આપણે આ વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર છે કે જે સમસ્યાઓને ઘણીવાર "ઉત્પાદન" અથવા "ગુણવત્તા" અથવા "શિસ્ત" સમસ્યાઓ તરીકે જોવામાં આવે છે તે તો હકીકતમાંની સમસ્યાઓ હોઈ શકે છે. સાચા શિક્ષણની નિશાની એ ગુણવત્તાલક્ષી ઉત્પાદનોમાં પ્રતિબિંબિત થતી હોવી જોઈએ.

આપણી આખી શિક્ષણ વ્યવસ્થા ક્ષમતા વિકાસ પર આધારિત હોવી જોઈએ. જો તેમ થાય તો જ દેખીતી કે ગર્ભિત નિરક્ષરતાના પ્રશ્નો બહુ ઓછા થઈ જાય તેમ છે. આવી અક્ષમતા શોધવામાં અને તેને દૂર કરવા માટે શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓના પક્ષે તાલીમ જોઈએ. ખાસ કરીને શાળા અને તેમાંયે પ્રાથમિક કક્ષાએ અક્ષમતાઓને જેટલી દૂર કરી શકાય તેટલી વધુ ફળદાયી કામગીરી થઈ શકે.

ભારતના સંદર્ભમાં આવનારી નવી શિક્ષણ નીતીમાં એવી વાત તો રજૂ થઈ છે પરંતુ તેનો અમલ કેટલો અસરકારક રીતે થઈ શકે છે તેના પર બધો આધાર રહે છે. નિરક્ષતા એટલે માત્ર વાંચન લેખનની ક્ષમતા એવો સંકુચિત અર્થ જ તેની ગંભીરતાને ઓછી કરી નાંખે છે. તેમાં ક્ષમતા વિકાસનો મુદ્દો જાણે આ બે સુધીમાં જ સીમિત થઈ જાય છે. ખરેખર તો વિદ્યાર્થીઓના ઇંદ્રિય વિકાસમાં મનોવિજ્ઞાનનો આધાર જ શિક્ષણની પ્રક્રિયાને `શિક્ષણશાસ્ત્ર` બનાવે છે.

શિક્ષણની પ્રક્રિયા વિશે અધ્યયન અને સંશોધન કરનારા ફિલસૂફોનું ચિંતન નિરક્ષરતા કે વ્યક્તિની અક્ષમતાને દૂર કરવામાં સહાયક બની શકે છે. આ માટે શિક્ષકોને સૌથી વધુ સજ્જ અને કુશાગ્ર બનાવવા પડે તેમ છે. સરકાર એ દિશામાં વિચારે તો છે જ પણ, આચરણ બાબતે રાજકીય ધ્યેયો આડે આવીને બધુ જ વેરવિખેર કરી નાંખે છે. આનો શું ઉપાય કરાય?

 
 
 

Comments


bottom of page