top of page

ઓનલાઈન શિક્ષણ વિશે ઓનલાઈન સર્વેક્ષણ!

Updated: Feb 2, 2022

છેલ્લા બે વર્ષથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષણની ઓનલાઈન વ્યવસ્થામાં કેદ થયેલા છે, ત્યારે સુરત શહેરની શ્રીમતી વી.ડી.દેસાઈ(વાડીવાલા)માધ્યમિક શાળાના આચાર્ય, કેળવણીકાર અને VPEduCare વેબસાઇટના સંચાલક ડૉ. વિજય મનુ પટેલ દ્વારાઓનલાઈન શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓની મન: સ્થિતિ સમજવા માટેનું સર્વેક્ષણ’’ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે તેમણે 17 પ્રશ્નોની ઓનલાઈન પ્રશ્નાવલી તૈયાર કરીને ઇન્ટરનેટના માધ્યમથી 543 વિદ્યાર્થીઓના (જેમાં 94% શાળાઓના અને 6% કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના) અભિપ્રાયો મેળવ્યા હતા. ઉપરાંત, તેમાં 97% ગુજરાતના અને 3 % અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ હતા. આ સંશોધનના મહત્વના તારણો આ મુજબ હતા:

ઓનલાઈન અભ્યાસમાં મોબાઈલથી ભણનારાઓ 68% (સૌથી વધુ) હતા, જ્યારે 20% ટેબલેટ કે લેપટોપથી ભણતા હોવાનું જણાયું. જો કે ઓનલાઈન શિક્ષણ 18%ને સસ્તું, 21%ને ખર્ચાળ અને 22%ને આરામદાયક લાગ્યું છે! જ્યારે 39 % એ ત્રણમાંથી એકેય નહીં એમ જણાવ્યું હતું.

ઓનલાઈન શિક્ષણમાં તમને સારું શું લાગ્યું એ બાબતે 31% ને ખાસ કશું જ નહીં, અને 36%ને સમયની બચત જણાઈ હતી. હા, મરજી મુજબ વર્તવાની સ્વતંત્રતા 16%ને લાગી હતી! ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં નબળું શું લાગ્યું એના જવાબમાં 13%એ વાલીની દખલ, 17%એ ભણાવનારની અક્ષમતા અને 35%એ દ્રશ્ય-શ્રાવ્ય અવરોધને ગણાવ્યો હતો. સર્વેમાં જણાયું હતું કે ઓનલાઈન વ્યવસ્થાથી સૌથી વધુ નુકસાન ગણિત-વિજ્ઞાન વિષયમાં(52%) ગયું છે ત્યારબાદ નામું-સંચાલન જેવા વિષયોમાં(26%) થયું છે.

આ રીતે ભણવાથી સૌથી વધુ તકલીફ આંખોમાં થઈ હોવાનું 63% વિદ્યાર્થીઓએ અને યાદશક્તિ ઓછી થવાની ફરીયાદ 26% એ દર્શાવી હતી તો 7% એ હાડકાં બાબતે મુશ્કેલી અનુભવી હતી. માત્ર 5%ને પાચનતંત્ર બાબતે ફરિયાદ હતી. ઓનલાઈનને કારણે સમવયસ્ક(સરખી ઉંમરના) મિત્રોનો સંગાથ ઓછો થવાથી સૌથી વધુ નુકસાન શામાં થયું એ બાબતે લગભગ 43% એ અભ્યાસમાં સહયોગ કે પ્રશ્નોમાં સમાધાન મેળવવામાં જણાવ્યું હતું, જ્યારે 10% વિદ્યાર્થીઓને વિજાતીય પ્રેમ-હૂંફની અધૂરપ સાલી હતી! તરુણાવસ્થામાં આવી લાગણી તરફ સમાજ મોટેભાગે દુર્લક્ષ સેવે છે. શક્ય છે ઘણા વિદ્યાર્થીઓ આ વિકલ્પ દર્શાવવામાં સંકોચ દાખવ્યો હોય! કેમ કે અન્ય એક પ્રશ્ન ઓનલાઇનની વર્ચ્યુઅલ (આભાસી) મૈત્રી બાબતે પૂછતાં તેમાં 11% વિદ્યાર્થીઓને અતિશય અને 12%ને ઘણી આકર્ષક લાગી હતી!

ઓનલાઇન ભણતી વખતે કયો ડર સૌથી વધુ લાગતો હતો? આ પ્રશ્નના જવાબમાં 10% એ કોઈ અચાનક આવી પડે, 17% એ શિક્ષક અચાનક પ્રશ્ન પૂછી કાઢે, 40% એ અચાનક અવાજ-દ્રશ્ય બંધ થઈ જાય અને 33 % એ ઉપરના તમામનો ભય લાગે છે તેમ જણાવ્યું હતું! તારણો સ્પષ્ટ સૂચવે છે કે ઓનલાઈન શિક્ષણમાં ‘ભય’નું પ્રભુત્વ રહે છે, જે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ શીખવાની પ્રક્રિયામાં બાધક છે!

આ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે ઓનલાઇન શિક્ષણને કારણે 36% વિદ્યાર્થીઓ ફિલ્મી વિડીયો તરફ, 41% ઓનલાઈન ગેમ્સ તરફ, 17% સજાતીય મિત્રો સાથેની ચેટ તરફ અને 6% વિજાતીય મિત્રો સાથેની ચેટમાં ઘણી વખત સરકી પડ્યાનું જણાવ્યું હતું. માબાપની સૌથી વિશેષ ચિંતા આવા ડાઈવર્ઝનની જ રહેતી હોય છે જેને અહીં ઘણુંખરું સમર્થન મળ્યું છે.

ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા માત્ર 22%ને જ ઘણીસારી લાગી છે. 50% અભિપ્રાયો તેને અંતિમ ઉપાય તરીકે જ સ્વીકારવા યોગ્ય ગણાવે છે જ્યારે માત્ર 8% એ કાયમી ધોરણે અમલમાં મૂકવાની વાત જણાવી હતી. ઓનલાઈન સ્વરૂપે લેવાતી પરીક્ષામાં તમારી આસપાસ કોણ કોણ રહેતું હતું (કે રહે છે)? આ પ્રશ્નના જવાબમાં 40% એ ઘરનું કોઈ સભ્ય રહે તેમ જણાવ્યું હતું જ્યારે 14% એ કહ્યું કે પરીક્ષાલક્ષી સાહિત્ય સાથે એકલા જ રહેતા હતા! અન્ય 41% એ સ્વતંત્ર રીતે એકલા જ રહેતા હોવાનું જણાવ્યું હતું. શક્ય છે તેઓ પણ ઓનલાઈન પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરવામાં કેટલેક અંશે સહયોગી હોય!

અભ્યાસ સિવાય ઓનલાઈન સ્વરૂપે યોજાતા કાર્યક્રમો, સ્પર્ધા વગેરેમાં 30% એ બિલકૂલ જ ભાગ લીધો નહોતો જ્યારે 37% એ ભાગ્યે જ લીધો હોવાનું જણાવ્યું હતું! મતલબ સહાભ્યાસ પ્રવૃત્તિ તરીકે ઓનલાઈન વ્યવસ્થા આકર્ષક નથી એમ માની શકાય. કેમ કે, માત્ર 13 % એ જ દર વખતે ભાગ લેતા હોવાનું જણાવ્યું હતું. ઓનલાઈન શિક્ષણથી તમારા જ્ઞાન-સમજણનું લોકોની નજરમાં અવમૂલ્યન થયું છે? આ પ્રશ્નના ઉત્તરમાં 32% એ સંપૂર્ણ સાચું છે, જ્યારે 29% એ અડધું સાચું છે એમ જણાવ્યું હતું. જો કે 29 % સાચું કે ખોટું છે તે નક્કી કરી શક્યા નહોતા!

લગભગ બે વર્ષ ઓનલાઈન ભણ્યા પછી આગળના ભણતર વિશે શું? એ વિશે 60% એ જેવુ તેવું ભણતા રહીશું, 25 % એ કઈં જ સમજાતું નથી એમ જણાવ્યું હતું. 9% એ કમાણી તરફ જવું છે અને 6% એ આગળ ભણવાની ઇચ્છા જ નથી એમ જણાવ્યું હતું.

બે વર્ષના તમારા અનુભવે ભવિષ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સૌથી પહેલા કયો ફેરફાર કરવો જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં 18% એ પરીક્ષા ઓનલાઈન જ રાખવી જોઈએ, જ્યારે 37% એ પરીક્ષા ઓફલાઇન જ રાખવા પર ભાર મૂક્યો હતો. 17% એ ઇતરપ્રવૃત્તિને વિશેષ મહત્ત્વ મળવું જોઈએ અને 28% એ વર્ગખંડમાં ઓનલાઈન-ઓફલાઇન શિક્ષણનું સંયોજન હોવાનો અભિપ્રાય આપ્યો હતો!આ અહેવાલ દિવ્ય ભાસ્કર (દૈનિક)ની સમગ્ર ગુજરાતની આવૃતિમાં તારીખ 30-01-2022 ના રોજ પ્રથમ પાને પ્રકાશિત થયો હતો.આ ઉપયોગી અને અનોખી વેબસાઇટમાં છે

ઓનલાઈન કોર્સિસ, પુસ્તકો અને અદભૂત લેખોનો ખજાનો!

નવું જાણવા અને શીખવા માટે સભ્ય બનો, આજે જ. ક્લિક કરો આ લિન્ક પર:

34 views0 comments

Comments


bottom of page