ગુજરાતીમાં એક કહેવત છે ચેતતા નર સદા સુખી. એની પાછળનો ભાવાર્થ સુરક્ષા સાથે સલામતીનો છે. પરંતુ આની જેમ ‘શીખતા નર-નારી સદા સુખી’ એવી કહેવત રજૂ થાય તો તેનો ભાવાર્થ પણ ઘણો જ વિશાળ અર્થ ધરાવનારો બની રહે. આમ તો શિક્ષણની પ્રક્રિયા કોઈને માટે પણ આજીવન પ્રક્રિયા હોય છે. જીવનના કેટલાક વર્ષો વૈધિક શિક્ષણના માળખામાં પસાર થાય છે તે ખરું પરંતુ ત્યાર પછીના વર્ષોમાં પણ શીખવાની પ્રક્રિયાને અવગણવા જેવી નથી.
જે શીખે છે તે કુશળતા પ્રાપ્ત કરે છે પોતાની સમજણમાં વધારો કરે છે અને એ રીતે પોતાની વૈચારિક ક્ષમતાને પણ વિસ્તારી શકે છે. સાર્થકપૂર્ણ જીવન જીવવા માટે ઉત્તમ વિચારો કરવાની કે શીખવાની પ્રક્રિયા ચાલતી રહે તે ખુબ જ જરૂરી છે. કોરોનાકાળમાં એક મહત્ત્વની ઉપલબ્ધિ એ મળી છે કે ઘરમાં બેઠા બેઠા પણ ઘણા કામો થઇ શકે છે, ઘણું શીખી શકાય છે અને બીજા ઘણાને શીખવી પણ શકાય છે!
સંદેશા વ્યવહારની આ ટેક્નોલોજીથી દરેક વ્યક્તિને જરૂરિયાતો સંતોષવાનો એક જુદો માર્ગ મળ્યો છે એમ કહીએ તો ખોટું નથી. હા, એવું પણ થયું છે કે અચાનક અટકી પડેલી રોજીંદી ક્રિયાઓમાં કેટલાક લોકો બિલકુલ ઠપ્પ થઈ ગયા છે. અને તેમને શું કરવું તેની જ સમજ નથી પડી. જેમ બંજર જમીનમાં કશું જ ન વાવો તો ઝાડી-ઝાંખરાં ઊગી નીકળે તેવું જ કોરોનોમાં આવા લોકોમાં થયું છે. કોઈ જ નવીન વિચાર કે પ્રવૃત્તિ વિના આવા લોકો ખોટા માર્ગે ભટકી ગયાના દાખલા પણ જોવા મળ્યા છે.

એટલે કોરોના સમયમાં શિક્ષણના ક્ષેત્રની પણ વાત કરવી એટલે ખાલી તળાવમાં પોતાના પ્રતિબિંબ શોધવા જેવી વાત ગણાય તેવું છે. લોકડાઉનના સમયમાં શું કરવું ને શું ન કરવાની દ્વિધામાં કશું જ નહીં કરનારા શિક્ષક-આચાર્યની મોટી સંખ્યામાં છે. આ લોકો એવી અપેક્ષા સાથે રોજીંદી પ્રવૃત્તિ (ઘરેડમાં)માં જ રહ્યાં કે થોડા દા’ડામાં તો બધુ પહેલા જેવુ જ થઈ જવાનું છે! જો કે, કેટલાક એવા પણ છે જેઓએ આ સમયગાળામાં કશુંક નવું સર્જન અને નવું વિચાર્યું હોય.
આ વેબસાઇટ્સના સર્જક અને સંચાલક ડો. વિજય મનુ પટેલને કંઈક જુદુ કે નવું કરવાનો વિચાર આ લોકડાઉન દરમિયાન સ્ફુર્યો. બસ, પોતાની સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિ સાથે તેમણે પોતાની આ સ્વતંત્ર વેબસાઇટ www.vpeducare.com તૈયાર કરી. આ વેબસાઇટ હાલ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વાંચી શકાય છે.
વાણિજયના શિક્ષક તરીકે તેઓ છેલ્લાં 29 વર્ષથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા છે. પોતાના સર્જનાત્મક શિક્ષણ સાથે લેખન, સંશોધન, સામાજિક સેવા અને વ્યક્તિત્વ વિકાસને લગતી અનેક પ્રવૃત્તિઓ દ્વારા તેમણે પોતાની જ્ઞાન અને સમજણની ક્ષિતિજો વિસ્તારી છે. એમના આવા કાર્યોથી તેઓ ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તથા અન્ય અનેક પુરસ્કારોથી નવાજિત થયા છે. આજે પણ તેઓ આ ક્ષેત્રમાં અવનવું અને ઉપયોગી કાર્ય કરી રહ્યાં છે તેનો પુરાવો આ તેમની વેબસાઇટ છે.
આ વેબસાઇટ્સમાં નવું પરિમાણ એ ઉમેર્યું છે કે તેમણે સમજણ અને આવડત આધારિત એવા નાના વ્યાવસાયિક કોર્સ (Mini Courses) તૈયાર કરીને મૂક્યા છે, જે તમામ ગુજરાતી ભાષામાં છે. ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ હોય એવા ઓનલાઇન કોર્સ સંભવતઃ આ પહેલા કોઈએ તૈયાર કર્યાનું જાણ્યું નથી. ગુજરાતના યુવાનો, ગૃહિણીઓ, શિક્ષકો કે અન્ય વ્યવસાયીઓને ઉપયોગી થાય તેવા વિષયો પર ગુજરાતી ભાષામાં નાના કોર્સ તૈયાર કરવાનો તેમનો આ વિચાર નવીન અને ઉમદા પ્રકારનો છે. આ કોર્સિસ ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ 15 દિવસમાં પૂર્ણ કરી શકાય છે.
સાંપ્રત સમયની જરૂરિયાતો અને પરિસ્થિતી અનુસાર તેમણે તરુણોથી લઈ મોટી ઉંમરની વ્યક્તિઓને પણ આકર્ષે તેવા પાંચ વિષયના પ્રારંભિક કોર્સ મૂક્યા છે. જેનો સંક્ષિપ્ત પરિચય આ રહ્યો:
(1) વ્યક્તિત્વની ઓળખ: આજકાલ દરેક વ્યક્તિને પોતાની પર્સનાલિટી સારી બનાવવી છે. પરંતુ તેનો મતલબ શું છે એ જ ન જાણતા હોવ તો શું થાય? માત્ર દેખાવને જ વ્યક્તિત્વ માનવાની મોટી ભૂલ થશે! એટલે જ સંશોધન આધારિત આ કોર્સ નવી સમજણ સાથે વ્યક્તિત્વ વિકાસમાં નવી સભાનતા પેદા કરશે.
(2) જાહેરમાં બોલવાની કળા શીખવતો કોર્સ છે: અભિવ્યક્તિથી જીતો દુનિયા! બીજાઓ પર પ્રભાવ પાડવામાં વાણીની શુદ્ધતા અને છટા જોઈએ. એને પણ યોગ્ય અને વૈજ્ઞાનિક જાણકારીથી કેળવી શકાય છે. વિવિધ યુક્તિઓ અને ઉદાહરણો અહીં આ કોર્સ દ્વારા મળશે.
(3) ઓનલાઈન શોપિંગ સલામતી: આજકાલ તરુણો અને ગૃહિણીઓ ઘરબેઠા ઓનલાઈન શોપિંગ કરી રહ્યાં છે પરંતુ તે સો ટકા સલામત નથી, જો તમે તેમાં રાખવાની સાવધાનીથી અજાણ હોવ તો, ખરું ને? એટલે સાંપ્રત સમયની જે તાતી જરૂરિયાત છે તે અંગે શીખવા મળશે શોપિંગની સલામતીના આ ઓનલાઈન કોર્સમાં.
(4) તાલીમથી સજે શિક્ષક: જે સમાજ ઘડવૈયા ગણાય છે તેવા અનેક શિક્ષકો તાલીમ માત્રથી દૂર રહ્યાં છે, તેમની પાછળ પોતાને શ્રેષ્ઠ માનવાની મોટી ભૂલ છે. આવા શિક્ષકો માટે તાલીમનું મહત્ત્વ ધરાવતી મૂલ્યવાન વાતોને તાલીમથી સજે શિક્ષક’ કોર્સમાં મૂકી છે.
(5) નાના ધંધાથી કરો કમાણી!: યુવાનોને રોજગારની નવી શરૂઆત કરવા પ્રેરિત કરે અને કેવા પ્રકારની તૈયારી કે અભિગમ સાથે તે થાય તેની સમજ આ કોર્સમાં સમાવિષ્ટ છે. આમાં સમાવિષ્ટ અનેક વિકલ્પો અને ઉપયોગી સૂચનો કમાણી માટે પથદર્શક નીવડશે જ.
આ દરેક કોર્સની પસંદગી પાછળ સ્વાનુભવ અને સંશોધન રહેલાં છે. જો કે આ કોર્સ સાવ મફતમાં ઉપલબ્ધ કરાવવાને બદલે નજીવી કિંમત સાથે મૂક્યા છે. તેની પાછનો તર્ક એવો છે કે મફત વસ્તુની લોકો ખાસ કદર નથી કરતા. તેને બદલે વળતર ચૂકવીને જે મેળવવાનું હોય છે તેમાં લોકો વધુ એકાગ્રતાથી અને નિષ્ઠાથી જોડાય છે. આ સિવાય ભવિષ્યમાં નવા વિષયો ઉમેરવા માટે તેઓ તત્પર છે. ખાસ કરીને તેઓ ગુજરાતી ભાષામાં જ આવા વધુ કોર્સિસ તૈયાર કરીને છ કરોડ ગુજરાતીઓ સુધી પહોંચીને તેઓને સમજણ અને કૌશલ્યથી સજ્જ કરવા પ્રયત્નશીલ છે. આપ આ લેખને વિશાળ જન સમૂહ તરફ પહોચાડવામાં નિમિત્ત બનશો એવી શ્રદ્ધા છે.
Okay sir