આજનો માનવી ભયંકર એકલતા અનુભવી રહ્યો છે. પળે-પળે એને નિરાશાનો અનુભવ થાય છે. તેને પોતાની જાતથી સંતોષ નથી અને બીજાઓ સાથેના સંબંધોથી પણ સંતોષ નથી. પોતાની સ્વપ્નશીલ દુનિયાથી પણ તે સંતુષ્ટ નથી! માનવીના આવા અસંતોષના મૂળને જાણવાનો, જીવનથી હારેલા થાકેલા માનવીને સાંત્વના, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન બેલ્જિયમના લેખક ફિલ બોસ્મન્સ કર્યો છે. સવારથી સાંજ સુધી એના ઉપર ૬૦૦ જેટલા ફોન આવતાં અને તેના પર લોકોના સુખ-દુઃખની દાસ્તાન સાંભળી ને જે પુસ્તક લખાયું તે Give Happiness A Chance.
સુખને એક અવસર આપો તો આ પુસ્તક મૂળ ફ્લેમશ ભાષામાં લખાયેલું છે અંગ્રેજીમાં બ્રિટનની એક પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યું છે. આ પુસ્તકનો જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ, જાપાનીઝ, નોર્વેજીયન, સ્પેનિસ એમ અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં શ્રી રમેશ પુરોહિતે તેનો અનુવાદ કર્યો છે,. અને પ્રસ્તાવના સુરેશ દલાલે લખી છે. પુસ્તક વિશે ફિલ જણાવે છે કે: હું જાણું છું કે થોડાક સારા શબ્દોથી કોઈને હંમેશને માટે મદદ કરી શકું નહીં. જે મારાથી અજાણ્યા છે, જેને જોયા નથી, જે ઉદાસ છે, દુઃખી છે એને હું કદાચ જીવન જીવવાની કળા શીખવી રહ્યો છું. હું કોઈ ઋષિ નથી કે પયગંબર નથી. શબ્દોથી સુખ આપવું એ ખેતર ક્યાં છે એ જાણ્યા વગર પવનમાં બીજ વાવીને ખેતી કરવા જેવું કામ છે.
પુસ્તકની મજા એ છે કે તેમાં શુષ્ક ઉપદેશો નથી, તર્કની તીક્ષ્ણ ધાર પણ નથી. માત્ર હૃદયમાંથી જન્મેલા પ્રેમાળ શબ્દોની માળા છે! ફિલ ઉગતો સૂરજ, ખીલતા ફૂલો, લીલીછમ વસંત, ગીતો ગાતા પક્ષીઓ, વહેતાં ઝરણાઓ, ટમટમતા તારલાઓ, મધુર ચાંદની વગેરેને માણવાનું જણાવે છે. સુંદર પંક્તિઓને અનુરૂપ તેમાં મુકાયેલા ફોટાઓ પણ ધ્યાનાકર્ષક છે. વાચકોને આ પુસ્તક વાંચવા હૃદયપૂર્વક અનુરોધ છે.
- ડૉ. વિનોદ પટેલ (નિવૃત્ત આચાર્ય, બી.એડ.કૉલેજ)
Comments