top of page

ઓનલાઈન શિક્ષણ: દ્વિધા અને સત્ય!

Updated: Aug 22, 2020


કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો. માણસ પણ જાણે અદ્રશ્ય શત્રુ સામે બાથ ભીડવા માંગતો હોય તેમ સામો થઇ રહ્યો છે. દુનિયાના બધા દેશોના નાગરિકોને હવે પુરાઇ રહેવું ગમતું નથી પણ તેઓની જેવી ચહલ-પહલ વધે એટલે વાયરસ ફરી મરણિયો થઇને માનવજાતને પછાડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે શું કરવું તેની સૂઝ પડતી નથી. આ એકલ-દોકલ વ્યક્તિની વાત નથી પણ આખી દુનિયા આવી દ્વિધામાં જીવી રહી છે. અને જ્યાં સુધી કોરોનાની રસી શોધાશે નહીં ત્યાં સુધી તો આમ જ જીવશે. આ સ્થિતિમાં શિક્ષણ વ્યવસ્થા સાવ ખોરંભે પડી ગયા જેવી સ્થિતિ છે. સરકાર અને સંચાલકો જરાક ઉતાવળા થાય એટલે કોરોના માથું ઊંચકીને તેમને ‘બેસો છાનામાના’ નો આદેશ કરી દે છે! આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણના આકાશી અવતારમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. એ જેવું હોય તેવું હમણાં અન્ય સારો કોઈ વિકલ્પ નથી એટલે એના વિશેની ચર્ચા આજકાલ સાંભળવા મળી રહી છે. થોડા સમય પહેલાં સુરતની ઇજનેરી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જૂથે ગોઠવેલી આવી જ એક ચર્ચાના વિચારો અને રસપ્રદ તારણોને અહીં રજૂ કરીએ. દાર્શનિક કે તત્વચિંતકોની એક ખાસિયત એ હોય છે કે તેઓ આ જગતમાંથી વિદાય લઈ લે પછી પણ તેમના વિચારોની ચર્ચા પેઢીઓ સુધી થતી રહે છે. એવા બે વિચારકોનો અહીં ઉલ્લેખ કરું. પ્રથમ છે ફાધર વાલેસ. તેમનો એક વિચાર હતો કે ‘’કમ્પ્યુટર યંત્રોની નવી સંસ્કૃતિ છે, ને એ વિશ્વ સંસ્કૃતિ થવાની જ છે.’’ સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે सर्वस्य लोचनम शास्त्रम. મતલબ જ્ઞાન દરેકની આંખ છે. બીજા એક વિચારકનો પણ ઉલ્લેખ કરું તો એ છે એલ્વિન ટોફલર. એનો એક વિચાર હતો કે ‘’દરેક સંસ્કૃતિને પોતાનું આગવું સામાજિક બંધારણ કે નીતિ નિયમો હોય છે, જેમાં રહીને વ્યક્તિ અરસપરસ વ્યવહારો કરે છે.’’ આ બંને ચિંતકોના વિચારોને જોડીએ તો કમ્પ્યુટર એક નવી સંસ્કૃતિ છે અને તેણે પોતાનું અલગ સામાજિક બંધારણ રચ્યું છે. આજે આપણે બધા જ તેનો હિસ્સો છીએ અને પરસ્પર વ્યવહારો રહ્યા છીએ. આપણને સૌને ખબર જ છે કે પરિવર્તનો પર આપણો સંપૂર્ણ કાબુ નથી, એની સાથે આપણામાં એક કાચબા વૃત્તિ (Turtle instinct) પણ રહેલી હોય છે. જ્યારે કશુંક બદલાય છે ત્યારે આપણા વિચારોને ઘડીભર તે સંકુચિત કરી દે અથવા અટકાવી દે છે. જીવ તરીકે મનુષ્ય કાચબા કરતાં ચડિયાતો છે એટલે એ સમસ્યાનું સમાધાન શોધવા નવા વિકલ્પો તરફ દ્રષ્ટિપાત કરે છે. આવા સમયે શરૂઆતમાં જે ગડમથલ અનુભવાય છે તેમાં સાંપ્રત સમયની ઓનલાઇન શિક્ષણ વિશેની દ્વિધા પણ સમાવિષ્ટ છે.


 ઓનલાઇન શિક્ષણ સામે વિરોધ કે વાંધો શા માટે છે? આના કારણોમાં સૌથી પહેલું અને મહત્ત્વનું છે આંતરમાળખાનો અભાવ. ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગના 2017-18 ના સર્વે મુજબ, ભારતમાં  16 ટકા ઘરોમાં રોજના એક થી આઠ કલાક અને ૩૩ ટકા ઘરોમાં રોજના ૯ થી ૧૨ કલાક જ વીજળીની પ્રાપ્યતા છે. મતલબ લગભગ 50 ટકા ઘરોમાં દિવસના 50 ટકા સમય જ વીજળી ઉપલબ્ધ છે. આપણે માની લઈએ કે એ પણ રાત્રીના સમયે જ વધુ મળતી હશે, તેથી દિવસ દરમ્યાન બાળકોના ઓનલાઇન શિક્ષણની વાત અશક્ય જેવી જણાય છે.

બીજું કે, ભારતની ૬૬ ટકા વસ્તી ગામડામાં છે જ્યાં ઇન્ટરનેટ માત્ર 15 ટકા પાસે જ છે. 37% ઘરો તો એક રૂમવાળા છે. સમગ્ર ભારતમાં ૧૧ ટકા ઘરોમાં કમ્પ્યુટર અને ૨૯ ટકા પાસે સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો વિચાર જ કંપાવી મૂકે તેમ છે. આ તો થયા આંતરમાળખાના કારણો. જ્યાં બે કે વધુ બાળકો હોય, સંયુક્ત પરિવાર હોય, સીમિત આવક હોય, નબળી ગ્રહણશક્તિવાળા બાળકો હોય અને સંતાનના આરોગ્યથી ભયભીત હોય ત્યાં આવી વ્યવસ્થા સામાજિક રીતે બિનઅસરકારક બને છે. ઉપરાંત, શિક્ષકોની અપૂરતી સંખ્યા અને ડિજિટલ એજ્યુકેશન માટેની તાલીમના અભાવે પરિસ્થિતિ સહેવાય તેવી નથી જ. ભારતના શિક્ષણ ખાતાની 2016ની માહિતી મુજબ સરકારી શાળાઓમાં પ્રાથમિક કક્ષાએ 17.51 % અને માધ્યમિક કક્ષાએ 14.78 % જગ્યાઓ ખાલી છે! એક જ શિક્ષક હોય તેવી દેશમાં અંદાજે એક લાખ શાળાઓ છે! આ અધૂરપ ઓનલાઈન શિક્ષણમાં કેવી રીતે પૂરી શકાશે?


અને હા, આવી પડેલી આફત આકસ્મિક છે જેમાં શિક્ષકો પણ હેતબાઈ ગયા છે. વર્ગખંડ સિવાય ઓનલાઈન ભણાવી શકાય ખરું પણ તેને માટે દેશના મોટાભાગના શિક્ષકો પાસે યોગ્ય તાલીમ નથી. વર્ગખંડમાં ભણાવવાનું કામ અને સ્ક્રીન પર ભણાવવાનું કામ સરખું નથી જ. જરૂરી સાધનોનો અભાવ, કમ્પ્યુટર કૌશલ્યનો અભાવ અને નવીન અભિગમની અધૂરપ શિક્ષકોને પણ ઓનલાઈન માટે બિનસરકારક બનાવે છે. વળી, જુદી જુદી વય જુથના બાળકોની નાનકડા સ્ક્રીન પર એકાગ્ર થવાની ક્ષમતા વિશે વિચારીએ તો મનોવૈજ્ઞાનિક રીતે પણ ઓનલાઇન શિક્ષણ મર્યાદિત અવધિ માટે જ  અનુકૂળ જણાય છે. આ બધું છતાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ હવે ધીમે ધીમે એ તરફ વળી રહ્યા છે. શા માટે? આ નવું ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને અને નવી પેઢીના શિક્ષકોને ખૂબ આકર્ષી રહ્યું છે. આવા લોકો તરફથી સમાચારપત્રો કે સોશિયલ મીડિયામાં મોટા પાયે વિરોધ થયાનું જાણ્યું નથી. બીજું કે, જે લોકો પહેલા તીવ્ર વિરોધ કરતા હતા એવા વાલીઓ પણ લાંબો સમય પોતાના સંતાનોને ઘરમાં સાચવી રાખવામાં થાકી ગયા છે! સ્પર્ધાત્મક યુગમાં તેઓ પણ હવે વિચારવા માંડ્યા છે કે આ રીતે પણ જો થોડું ઘણું ભણાતું હોય તો એમાં વાંધો શું કામ હોવો જોઈએ? અને કોરોના મહામારીથી આખી દુનિયાના ઘણા વિકાસશીલ દેશોએ શિક્ષણના વર્તમાન વિકલ્પ તરીકે ‘ઓનલાઈન’ વ્યવસ્થા પર ભરોસો મૂક્યો હોય તો આપણે પણ શા માટે પાછળ રહેવું જોઈએ.


વર્તમાન પરિસ્થિતિમાં જે મુશ્કેલી છે તે જ સંસાધનોની અછત અને તાલીમના અભાવની છે. આ બંને એક-બે વર્ષમાં દૂર થશે જ. કોરોના મહામારી ચાલી જવાની છે. પણ શિક્ષણમાં ઓનલાઇનનો નવો અવતાર જરૂર રહેવાનો છે સમજજો. તેથી ભવિષ્યમાં શાળાઓની વ્યવસ્થામાં પણ બદલાવ આવે તો નવાઈ નહીં પામતા. શક્ય છે આવનારા થોડા વર્ષોમાં માધ્યમિક થી ઉપરનું બધુ જ સૈદ્ધાંતિક શિક્ષણ ઓનલાઈન થઈ જશે, શાળા-કોલેજો માત્ર વ્યવહારુ (practical) પ્રવૃત્તિઓ માટે જ રહેશે! આને કારણે સમાજ વ્યવસ્થા પણ બદલાશે જ. ઘરોમાં એક જગા ‘online’ માટે જ હશે! આ સંદર્ભમાં google trendનો જે રિપોર્ટ છે તેના આંકડાનો સંદર્ભ અહીં ટાંકીને વાત પૂરી કરીએ.


મિત્રો, છેલ્લાં થોડા મહિનામાં ગૂગલ પર જે શબ્દોથી સર્ચ થયું છે તેમાં Learn online શબ્દમાં 85 %, Teach online શબ્દમાં 148%, At home Learning શબ્દમાં 79% અને Classes online શબ્દમાં અધધ 300%નો વધારો નોંધાયો છે! આ બતાવે છે કે ભારત સાથે દુનિયાભરમાં નવી રીતે ભણવાનો યુગ શરૂ થયો છે. આપણે જાતને તૈયાર કરીશું?

5 views0 comments

Comments


bottom of page